ન્યારી શક્તિ

છો ને ભગવાન કહેવડાવો,

મારા રામ તમે સીતાજી ને તોલે ન આવો.

તમથીયે પહેલા અશોકવનમાં

સીતાજીએ રાવણને હરાવ્યો

દૈત્યોના વચમાં નિરાધાર નારી

તોય દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

– અવિનાશ વ્યાસ

અહીં વાત સરખામણી કરવાની નથી,સરખાપણું ન ધરાવતા બે વ્યક્તિત્વ વચ્ચે સરખામણી થઈ છે એની છે.
કેમ સ્ત્રીના જ સશક્તિકરણની વાત આવી? કારણકે પ્રથા ને સમાજ પુરુષ પ્રધાન છે. પુરુષના જન્મથી જ એના સશક્તિકરણની પ્રક્રિયા શરૂ થાય છે. અને પછી ઉદભવે છે અસમાનતા. હકોની ને પદોની અસમાનતા.

Woman Empowerment. મહિલા સશક્તિકરણનો સીધો અર્થ એ નીકાળવામાં આવે કે મહિલાને સશક્ત કરવાની. સશક્ત કરવાની ક જાગૃત કરવાની?જરૂર સશક્તિકરણની નથી, જરૂર જાગૃતિકરણની છે. શોષણ,અન્યાય,અસમાનતા અને ખુદમાં રહેલી શક્તિ માટેની જાગૃતિની જરૂર છે. જે સ્ત્રી જાગૃત હશે એ સશક્ત પણ હશે. પોતાની જવાબદારીનું વહન કરીને પોતાના નિર્ણય જાતે લેવા એ જ સશક્તિકરણ.

જરૂર સશક્તિકરણ થયું છે આજે યુવતીઓ self defence શીખેલી છે ને રાતે 3 વાગ્યે ગરબામાંથી નીડરપણે પાછી આવે છે,પણ હજુ ગ્રામ્ય વિસ્તારોમાં કે પછી શહેરના “કહેવાતા” શિક્ષિત સમાજમાં પણ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં કહેનારા ઘણા છે

મહિલા સશક્તિકરણની સ્પીચમાં એવું કહેવામાં આવે કે આપણો દેશ તો ઝાંસીનો દેશ ને કલ્પના ચાવલાનો દેશ છે…છે,પણ જે સ્ત્રીના ગર્ભમાં રહેલી બાળકીને પરિવારની સંકુચિત માનસિકતાને લીધે જન્મવા દેવાની નથી તે સ્ત્રીને ઝાંસીની રાણી નથી બનવું એને તો ફક્ત એક માઁ બનવું છે. દેશના સૈન્યમાં મહિલાઓની સંખ્યા વધવાની સાથે સાથે દેશમાં શિક્ષિત મહિલાની સંખ્યા વધવી એ પણ સશક્તિકરણ છે.

સશક્તિકરણ કરવું એટલે ફક્ત કોઈ સંગઠન ચાલુ કરીને સ્ત્રીઓને સીવણ,ભરત ને કલાઓ શીખવાડવું નથી. અંગ્રેજી માં એક સરસ કહેવત છે ‘Charity begins at home’ ,તો ચાલો ઘરથી જ શરૂઆત કરીએ.

જ્યાં સ્ત્રીને ઇન્વેસ્ટમેન્ટસ અને ટેક્સની જાણ હોય ત્યાં સ્ત્રીનું અને જ્યાં પુરુષને રસોડામાં હવેજના ડબ્બાની જાણ હોય ત્યાં પુરુષનું સશક્તિકરણ છે.

જે ઘરમાં છાપું સવારમાં રસોડામાં ખુલે ત્યાં ,જ્યાં પત્નીને B બ્લોક વાળા હંસાબા પડી ગયા એની સાથે એ પણ ખબર હોય કે દેશમાં ક્યા રાજ્યની સરકાર પડી છે ત્યાં અને જ્યાં પત્ની ઘરનું બજેટ બનાવાની સાથે દેશના બજેટની પણ જાણ રાખતી હોય ત્યાં સશક્તિકરણ છે. એક સ્ત્રીને આ બધું જ્ઞાન હોય તો એ એના બાળકનો ઉછેર વધુ સારી રીતે કરી શકે છે.એ માનસિકતામાંથી બહાર આવવું જોઈએ કે બાળકને ઘેર બેઠા માઁ સંસ્કાર શીખવાડે ને બાપ વ્યાપાર. બંને સહિયારો ઉછેર કરે અને તેથી જ બંને સશક્ત હોવા જરૂરી છે.

અને જ્યાં કંઈક નવી શરૂઆત કરતી સ્ત્રીને સમાજનો ટેકો મળે ત્યાં પણ સશક્તિકરણ છે. તો આજે 8 માર્ચ women’s day પર ઘરથી જ શરૂઆત કરીએ અને સશક્ત સ્ત્રીઓ વડે એક જાગૃત સમાજ બનાવીએ.

-દેવમ સંઘવી “તત્ત્વમ્”

Leave a comment