પ્રેમની પરિભાષા: શબ્દમાં કે સ્પર્શમાં

વાત આજે છેડવી છે પ્રેમની. પ્રેમના ઇઝહારની. પ્રેમની પરિભાષા કરવામાં તો આખી એક ભાષા વપરાઈ જશે. પ્રેમ એટલે લાગણી, પ્રેમ એટલે હક, પ્રેમ એટલે મનમેળ. પ્રેમ એટલે શ્વાસ જેને અનુભવવાનો હોય જેને જીવવાનો હોય. એમાં ગણતરી ન હોય. જેટલે ઊંડે ઉતરો એટલો ફળદાયી.

લવ એટ ફર્સ્ટ સાઇટથી પ્રેમ શરૂ થાય છે. સૌ પ્રથમ આંખો લડે,પછી ઈશારો થાય પછી શબ્દોથી કે સંગીતથી કે પછી લેખિત સંવાદથી ઇઝહાર કરવામાં આવે. પ્રેમની પરિભાષામાં વિશાળ છે.

સ્પર્શની વાત થાય તો પ્રેમ એ કોઈ સ્પર્શનો મહોતાજ નથી.એ જરૂરી પણ નથી કે પ્રેમ હોય ત્યાં સ્પર્શ હોય. સ્પર્શ એ બે ગમતા વ્યક્તિઓ વચ્ચેની નિકટતા અને આકર્ષણ કે આસક્તિનું પરિણામ, પાયો નથી. સ્પર્શ પ્રેમીઓ વચ્ચેના બંધ જાળવવાની ઈચ્છાથી કરેલી ક્રિયા છે. સ્પર્શની અપેક્ષાએ કોઈની સાથે નિકટતા વધારવાના કરેલા પ્રયાસ પ્રેમના નામે તો ન જ ખપાવી લેવાય.

શબ્દની વાત જો થાય તો ડૉ. રઈશ મનીઆર કહે છે,

દઈ દે ! આજે મને તું જવાબ
તને ગીત દઉં કે ગુલાબ ?

-રઈશ મનીઆર

કોઈ ભૌતિક વસ્તુની ભેટ કરતા કંઈક એવું દો જે જેટલી વાર દેખાય દેનારની યાદ અપાવે. પાશ્ચાત્ય પરંપરાની હવા લાગીને હવાઈ ગયો હોય એવી સ્થિતિ છે આજે ભારતની. પ્રેમ જેવા પ્રેમનો ઇઝહાર કરવા ખાલી એક દિવસ?

હેમંતની ગુલાબી ઠંડીમાં કે શિશિરના તાપણાની હુંફમાં ,કેસરિયા વસંતની છાયામાં કે સોનેરી પીળા ગ્રીષ્મમાં, ઘેરી લીલી વરસાદી મોસમમાં કે પછી શરદના ઓસરતા પાણી અને ઉઘડતા સ્વચ્છ આકાશને તળે બેસીને, પ્રેમ/ઇઝહાર થઇ શકે છે અને કરવો જોઈએ. પછી આખા વર્ષમાંથી એક જ દિવસ કેમ?

પ્રિયપાત્ર તમારા હાથમાં હાથ પરોવે ત્યારે તમારામાં રહેલી ઉદાસીનું ઝણઝણાટી ભર્યું મોત થાય અને જ્યારે તમારા હાથને એના હાથ વડે મુઠ્ઠીમાં લઈ દબાવે ત્યારે તમે આખી દુનિયાથી લડી લેવાના મિજાજમાં આવી જાઓ. બસ, આ સ્પર્શની વ્યાખ્યા.

આજે એવો એક આખો વર્ગ અસ્તિત્વ રાખે છે જે પ્રેમ કે સ્પર્શ જેવી કોઈ વ્યાખ્યાઓમાં પડવા માંગતો જ નથી. પ્રેમ અમુક તબક્કાઓમાં થાય છે એમનો એક તબક્કો સેક્સ છે. જેનો ઉલ્લેખ કરતું તો કોઈ નથી પણ એની અપેક્ષા રાખવા વાળા ને એને જ પ્રેમ ગણી લેવા વાળા ઘણા છે.

જેમની વચ્ચે દિલની ડીલ હોય એમને
ડિલની ડીલ કરવાની જરૂર નથી પડતી

-દેવમ સંઘવી

જ્યાં દિલની ડીલ હોય ત્યાં પછી ડિલ ગૌણ વસ્તુ છે અને જ્યાં ડિલ(શરીર)ના સોદા થાય એને પ્રેમનું નામ તો ન જ આપી શકાય. ઈચ્છા અનિચ્છાએ મજબૂરીએ કે દબાણ પૂર્વકના સ્પર્શને આપણે શું નામ આપીશું?

પ્રેમ એ ફક્ત ચાર હોઠોને મેળાવવવાની પ્રક્રિયા નથી,એ તો બે આંખો,બે તન,બે મન અને બે આત્માનું મિલન છે.

શબ્દ કલેજાને ટાઢક આપે છે ને સ્પર્શ ત્વચાને હૂંફ. એટલે સ્પર્શ ને શબ્દ એકબીજાના પર્યાય તો નથી પણ વિરોધી પણ નથી. બંને ના મૂલ્યો અલગ અલગ છે બસ એના અર્થઘટન પર આધાર છે પ્રેમના અસ્તિત્વનો.

-દેવમ સંઘવી “તત્ત્વમ્”

Leave a comment