હું સાગરને પી જઈશ,મારી ઈચ્છા થતાવેંત
પર્વતો કકડભૂસ થઈને તૂટી પડશે.
-સ્વામી વિવેકાનંદ
આવા અખૂટ જોશ સાથે ફક્ત ૩૯ વર્ષના આયખામાં આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર સ્વામીજી હંમેશા એક યુવા બનીને કામ કર્યું છે
આજથી લગભગ દોઢ સદી પહેલા તેઓએ કહ્યું હતું કે,
ઉઠો,જાગ્રત થાઓ અને યુદ્ધ માટે તૈયાર થાઓ. કયું યુદ્ધ? ગરીબી ,બેકારી ,ભ્રષ્ટાચાર ,અજ્ઞાનતા ,અસ્પૃશ્યતાની વિરુદ્ધ યુદ્ધ. કોણ કરશે ? યુવા.
ભારત પાસે યુવાધન સૌથી વધુ છે, છતાં ભારતને વિશ્વગુરુ બનવા માટે યુવાનોની મદદ જોઈશે. એવી યોજનાઓ જોઈશે જેથી Brain Drain નું પ્રમાણ ઓછું થાય. યુવાનોમાં(વિદ્યાર્થીઓ) પોતાના દેશનું ઋણ ચુકવવાની હિંમત જોઈશે જે તેમને એક રામકૃષ્ણ પરમહંસ જેવા શિક્ષક પાસેથી જ મળશે જેમણે સ્વામીજીને એક દિશા આપી ને તેથી જ એમના મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા મહાપુરુષ પણ પ્રસંશક છે
તેઓએ રામકૃષ્ણ મઠની સ્થાપના કરી જેનો હેતુ હતો “આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ” અર્થાત શિવજ્ઞાને જીવસેવા, અધ્યાત્મની સાથે જનકલ્યાણ. તેઓ કહેતા ગરીબ અભણ લોકોનું થોડું પણ દુઃખ ના ટાળી શકો તો ભગવાં વસ્ત્રો પહેરીને ફરવાનો શો અર્થ? મોક્ષપ્રાપ્તિ માટે નહીં જનકલ્યાણ માટે તેમણે ભગવા ધારણ કર્યા હતા. તેમની નાનપણથી વિચારો ને માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું હતું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો. પરની સેવામાં જ ઈશ્વર મનાતા. સ્વામીજીએ રામેશ્વરમના એક પ્રવચનમાં કહ્યું હતું કે, “દીન, દુર્બળ અને રોગીમાં વસતા શિવનું પૂજન કરો.
ભારતીય સંસ્કૃતિની તાસીર રહી છે કે અન્ય સંસ્કૃતિઓમાંથી કંઈક વિશેષ ગુણ સ્વીકારવાનો,પરંતુ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ થાય છે. ત્યાંની શિક્ષણ પદ્ધતિ કે ત્યાંની વ્યવસ્થાને નહીં પણ મોજશોખ,રહેણીકરણી ને અનુસરાય છે
સ્વામીજીએ ન્યુયોર્કથી લખેલા પત્રમાં કહ્યું હતું કે “અહીંના સમાજમાં વિકાસની પ્રથમ શરત છે : સ્વતંત્રતા. વાણી કે વિચાર સાથે પહેરવેશ,જીવનશૈલી અને આહારમાં સ્વતંત્રતા છે”. હાલ ભારતમાં યુવાને સમાજ કે સંસ્કૃતિ અને પરિવારથી સ્વતંત્ર થવું છે
એક બીજા પત્રમાં તેમણે કહું કે, “આપણી પાસે બુદ્ધિ છે, પણ કાર્યકરો નથી. આપણી પાસે વેદાંતનો સિદ્ધાંત છે, પણ તેને વ્યવહારમાં ઉતારવાની શક્તિ નથી. આપણા ગ્રંથોમાં સાર્વત્રિક સમાનતાનો સિદ્ધાંત નિરૂપિત છે, પણ વ્યવહારમાં આપણે મોટા ભેદો ઉભા કરીએ છીએ.”
સ્વામીજીએ કહેલો એકએક શબ્દ આજના યુવાન માટે પણ એટલો જ અનુકૂળ બેસે છે
૧૮૯૫માં સ્વામીજીએ શિકાગોમાં વેદાંત અને યોગના મફત શિક્ષણના વર્ગો શરૂ કર્યા ,આજે પણ દેશ વિદેશમાં આબાલવૃદ્ધ સૌ યોગ કરે છે,પણ યોગના કે આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતના મહત્વની કમી ફક્ત ભારતમાં લાગી રહી છે જે યુવાનો જ પુરી કરી શકાશે.
તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેઓ કહેતા કે, “સત્યને તમામ પાસાઓમાં નિહાળવાનો પ્રયાસ કરો. ’’
આજે વિવિધ સંપ્રદાયોની વિવિધ અંધશ્રદ્ધાઓમાં દેશ ગૂંગલાઈ રહ્યો છે,જો એનો કોઈ વિરોધ કરી શકે તો ફક્ત એક યુવાન. એક યુવાન જ આ કુરિવાજો-અંધશ્રદ્ધાઓને જડમૂળથી ઉખાડી શકે છે
જો એક ભગવા ધારી ભારતીય યુવાન પરદેશ જઈને ૭૦૦૦ લોકોની સભામાં તેના પહેલા જ વાક્ય પર તાલીઓનો ગડગડાટ કરાવી શકે તો ભારતમાં તો વિશ્વના સૌથી વધુ યુવાન છે. સ્વામીજીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી શકાશે જ્યારે ભારતનો યુવાન ઉઠશે જાગશે ને યુદ્ધે ચડશે.
-દેવમ સંઘવી “તત્ત્વમ “